શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

સંસ્થા પરિચય

ખેડા જીલ્લાનો બોરસદ તાલુકો ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ભારતની વડી ધારાસભાના સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલના નામ સાથે સંકળાયેલો છે. પૂજ્ય રવિશંકર મહારાજ તથા દરબાર ગોપાળદાસની પણ આ કર્મભૂમિ છે. પરંતુ બોરસદ તાલુકામાં મહીસાગર નદીને કાંઠે વસતી મોટા ભાગની પ્રજા સદીઓથી અશિક્ષિત અને શોષિત જ રહી છે.તેથી આઝાદી પહેલાં અને પછી આ પ્રજા વચ્ચે બેસી રચનાત્મક કાર્યો કરતાં પૂ.સ્વ.ઈશ્વરભાઈ ચાવડા અને સાથી કાર્યકરોને એક વિચાર સુજ્યો કે સમજ પરિવર્તનનો પાયો શિક્ષણ છે શિક્ષણ વગર આ પ્રજાનો આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ શક્ય જ નથી.આ વિચારમાંથી કહાનવાડી ગામમાં માધ્યમિક કક્ષાના શિક્ષણ માટે જુન-૧૯૭૧માં પ્રથમ ઉત્તર બુનિયાદી વિદ્યાલય શરુ કરી.જેમ બીજમાંથી વૃક્ષ પેદા થાય અને તેની શાખાઓ –પ્રશાખાઓ બધે ફેલાઈ જય તેમ બોરસદ તાલુકાના અને ખેડા જીલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયો, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયો, આશ્રમશાળાઓ, છાત્રાલયો, આઈ.ટી.આઈ.તથા કોલેજ કક્ષાનું શિક્ષણ આપતી ગ્રામ વિદ્યાપીઠનું એક વિશાળ શૈક્ષણિક વટવૃક્ષનું સર્જન થયું છે. કહાનવાડીમાં આજે બાલવાડીથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણ વ્યવસ્થા છે.
આ સંસ્થા સ્થાપનાનો મુખ્ય હેતુ એ હતો કે અમારી સંસ્થાઓના સંચાલનમાં તથા ગ્રામવિકાસના કાર્યો કરવા માટે સારા કાર્યકરો મળી રહે.
તા.૩૦-૦૯-૧૯૮૪ ના શુભ દિને તે વખતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને અમારા સ્વજન સમા મુ.શ્રી માધવસિંહભાઈ સોલંકીના શુભ હસ્તે તથા ડૉ.ચંદુલાલ ચંદ્રકાંત, મહંતશ્રી વિજયદાસજી, શ્રી પ્રબોધભાઈ રાવળ જેવા મહાનુભાવોના આશીર્વચનો સાથે આ સંસ્થાની શરૂઆત થઇ છે.