શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

સંસ્થા સ્થાપકનો પરિચય


સંસ્થા સ્થાપકનો પરિચય


ખેડા જિલ્લાએ આપણને સ્વતંત્ર સેનાનીઓ, રચનાત્મક – કાર્યકરો અને સમાજ ઉદ્ધારની ભાવનાવાળા કર્મયોગીઓમાં પુ.દાદા શ્રી ઈશ્વરભાઈ ખોડાભાઈ ચાવડાનું સ્થાન પ્રથમ હરોળમાં  છે.પછાત વર્ગના ખમીરને ઢંઢોળીને ક્રિયાન્વિત કરવામાં, અન્યાય સામે આક્રોશ જગાડવામાં, કુરિવાજો ત્યજવાની પ્રેરણા આપવામાં અને સાચું સંભળાવી દેવા છતાં વર્ગ વિગ્રહ ન થાય તેની કાળજી રાખવા સાથે અનેક કામો દ્વારા તેમનું મોટું પ્રદાન છે અને  એ બદલ સમગ્ર ખેડા જિલ્લો તેમનો ઋણી રહેશે. પોતાને મળેલી તક તથા સ્થાનનો ઉપયોગ તેમણે હંમેશાં પછાત સમાજને બેઠો કરવામાં તથા સુવિધાઓ પૂરી પાડવામાં કર્યો છે.બોરસદને કર્મભૂમિ બનાવી અનેક શૈક્ષણિક તથા સહકારી સંસ્થાઓના વિકાસમાં તેમણે સિંહ ફાળો આપ્યો છે.
       તેઓશ્રી ગરીબી, કુરિવાજો અને રૂઢિઓથી પીડાતા સમાજમાંથી ઉચ્ચ આદર્શો અને ઉમદા ગુણો સાથે બહાર આવ્યા અને પછાત વર્ગોને કુરિવાજોથી મુક્ત કરી તેમના રાહબર અને હામી બન્યા.તેમના પિતાશ્રી ખેતીની સાથે સાથે દૂધનો વેપાર કરતા હતા. પિતા ગામમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ ધરાવતા હતા.પિતામાં લોકસેવા અને દુઃખી પીડિત લોકોને સહાય કરવાનો ઉમદા ગુણ હતો.
       પુ.દાદા શ્રી ઈશ્વરભાઈએ સૌ પ્રથમ ગાના ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કાર્યો. તેમના કાકાના દીકરા શનાભાઈ શિક્ષક હતા. તેથી પુ.દાદા શ્રી ઈશ્વરભાઈને અભ્યાસમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહી. પુ.દાદા શ્રી ઈશ્વરભાઈએ કરમસદ હાઇસ્કૂલમાં ધોરણ -૯ સુધી અભ્યાસ કર્યો.
       તેઓનું લગ્ન કુમળી વયે ૧૦ મા વર્ષે  પેટલાદ તાલુકાના ઇસણાવ ગામે શ્રીમતિ સુરજબેન સાથે થયું હતું. તેઓના સસરા વ્યવસાયે ખેતી કરતાં હતા.
       પુ.દાદા શ્રી ઈશ્વરભાઈ આઝાદીની લડતમાં ભાગ લેવાનું શરુ કર્યું અને અભ્યાસ છોડી દીધો. રાષ્ટ્રીય પ્રવૃત્તિઓની ચળવળમાં રાત –દિવસ કામ કરવા લાગ્યા. ઈ.સ.-૧૯૩૦ માં આણંદમાં દારૂ તથા વિદેશી કાપડ અંગે પીકેટીંગ કરતા હતા.ત્યારે પોલીસના હાથે તેમની ધરપકડ થઇ. તેઓને સાબરમતી જેલમાં મોકલ્યા. છ માસની જેલ થઇ. ૧૯૩૭માં સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીઓમાં ભાગ લીધો. ઈ.સ.૧૯૪૨માં હિન્દ છોડોનું રાષ્ટ્રવ્યાપી આંદોલન મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ શરુ થયું.
       પુ.દાદા શ્રી ઈશ્વરભાઈએ સને ૧૯૪૬માં બોરસદને પોતાનું નિવાસ્થાન બનાવ્યું. ત્યારબાદ તેઓને વિચાર આવ્યો કે કેળવણી સિવાય દુઃખી લોકોનો કોઈ ઉદ્ધાર સંભવિત નથી. શ્રી શિવાભાઈ પટેલના સાથ સહકારથી બોરસદ સત્યાગ્રહ છાવણીમાં શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળની સ્થાપના થઇ. સને - ૧૯૫૨-૫૩ની ચૂટણીમાં મુંબઈ વિધાનસભામાં તેઓની કાર્યક્ષમતા જોઇને તેઓને કોંગ્રેસ પક્ષે ટીકીટ આપી. આ ચુંટણીઓમાં બહુમતીથી ચૂંટાઈ આવ્યા. આ ઉપરાંત બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ, ખેડા જીલ્લા પંચાયત પ્રમુખ, ખે.જિ.મ.સ. બેંકના ચેરમેન તથા અમુલ ડેરીમાં ઉચ્ચ હોદ્દાઓ પર રહી લોકોની સાચા અર્થમાં સેવા આપી.
       લોકસભામાં આણંદ લોકસભા સીટ પર જંગી બહુમતિથી પાંચ વાર ચૂંટાઈ અનેક વિધ હોદ્દાઓ પર રહી લોકસેવાના સાચા રાહબર બન્યા. રાજનૈતિક ક્ષેત્રમાં આજીવન સક્રિય હોવા છતાંય કેળવણી પ્રત્યે તેઓને વિશેષ પ્રેમ હતો. કારણકે તેઓ એવું માનતા હતા કે કેળવણી દ્વારા જ સમાજનું ઉત્થાન થઇ શકે અને દલિતો તથા દુઃખીઓના સમાજને સંસ્કારી બનાવી શકાય. તેથી બીજી શૈક્ષણિક સંસ્થા તેઓએ  શરુ કરી. એમાં મુખ્ય ખેડા જીલ્લામાં કેળવણીની અનેક સંસ્થાઓની સ્થાપના કરી છે. વિદ્યાર્થીઓને માટે છાત્રાવાસ ખોલીને ગ્રામીણ વિદ્યાર્થીઓમાં શિક્ષણ લેવાની વૃત્તિ પેદા કરી છે. સરકાર દ્વારા ચાલતી કેળવણી માટેની વિવિધ યોજનાઓનો કુનેહભર્યો સદૂપયોગ કરીને કેળવણી માટેની અનેક સંસ્થાઓના મકાનો, શૈક્ષણિક સાધનો નિર્મિત કર્યા છે.
       પુ.દાદા શ્રી ઈશ્વરભાઈએ ખેડા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ પ્રકારની કેળવણી સંસ્થાઓનું સંકુલન ઉભું કર્યું. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ પામેલા વિદ્યાર્થીઓએ આજે સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેળવણીના ક્ષેત્રે અનેક શિક્ષકો તેમજ આચાર્યો નિષ્ઠા પૂર્વક કાર્યરત છે. ઉદ્યોગના ક્ષેત્રે પણ કેટલાક છાત્રોએ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ રાજનૈતિક ક્ષેત્રે પણ પ્રતિભા સંપન્ન  વ્યક્તિઓએ વિશિષ્ટ પ્રદાન કરી દેશમાં સુવાસ ફેલાવી છે.