શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ
logo

છાત્રાલય

છાત્રાલય અને સમૂહજીવન..
     છાત્રાલય જીવનએ ચારિત્ર્ય નિર્માણનું ધરૂવાડિયું છે. છાત્રાલય જીવનમાં એકબીજાને સમજવા, સમૂહજીવનને વિકસાવવા માટેની ઉત્તમ તક  છાત્રાલય દ્વારા પ્રાપ્ત થાય છે. ઊંચ નીચના ભેદભાવ સિવાય બધાજ વિદ્યાર્થીઓ સાથે રહે છે. સાથે જમે છે અને સમૂહ જીવનનાં કામો કરે છે. તેમ કરતાં કરતાં તેમનામાં એકબીજાના સુખ દુઃખના સહભાગી બનવાની ભાવના કેળવાય છે.છાત્રાવાસ માત્ર રહેવા જમવાનું સ્થળ ન બને, પરંતુ જીવન ઘડતરનું કેન્દ્ર બને તે માટે ગૃહપતિ વિદ્યાર્થીની દરેક પ્રવૃત્તિમાં માર્ગદર્શક બને છે. ભોજનાલયની મોટા ભાગની વ્યવસ્થા વિદ્યાર્થીઓ જાતે સંભાળે છે. અને તે માટે મંત્રી મંડળ નીમવામાં આવે છે.અનાજ સફાઈ, ગૌશાળા સફાઈ, છાત્રાલય સફાઈ, પિરસવું વગેરે કામો ટુકડી પ્રમાણે વિદ્યાર્થીઓ કરે છે. દરરોજનું રાશન વજન કરીને આપવું, તેમના પત્રકો રાખવા, ખરીદી કરવી, માસિક ભોજન બીલ આકારવું વગેરે જવાબદારઓ દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે. સવાર સાંજની પ્રાર્થના, કવાયત, રમત ગમત, મહેમાન સરભરા, બીમારની સારવાર, વિશેષ સફાઈ વગેરે અનેક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે.

સંમેલન
       સંમેલનએ ગ્રામ વિદ્યાપીઠનું એક અતિ મહત્વનું અંગ છે. દૈનિક આયોજન, આગળના દિવસનું આયોજન આ દરેક બાબતમાં સામુહિક વિચારોનું આદાન પ્રદાન થાય અને છેલ્લે સમજપૂર્વકના નિષ્કર્ષથી જે નિર્ણય લેવાય તે કાર્ય વિશેષ સર્વાંગ સુંદર બને છે. તેથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દિવસમાં બે થી ત્રણ વખત સમૂહમાં મળે છે. (અ) પ્રાતઃ પ્રાર્થના સંમેલન (બ) વિદ્યાલયનું પ્રાર્થના સંમેલન (ક) સાંજનું પ્રાર્થના સંમેલન
       પ્રાર્થના અને સંમેલનના દરેક કાર્યક્રમમાં શક્ય એટલા બધાજ અધ્યાપકો અને કર્મચારીઓ સહભાગી થવાનો પ્રયત્ન કરે છે. જેના કારણે ખૂટતી કડીઓની તેઓ પૂર્તિ કરીને માર્ગદર્શન આપે છે. જેથી આગળના કાર્યક્રમને વધારે સુંદર બનાવી શકાય.
       ગ્રામ વિદ્યાપીઠમાં ઘણી વખત કેળવણીકારો, વિષય નિષ્ણાતો કે મહાનુભાવો પધારે છે. અથવા વિશેષ દિનની ઉજવણી વખતે પણ સંમેલનો યોજવામાં આવે છે અને વિદ્યાર્થીઓને અવનવી બાબતોની જાણકારી મળે છે..