સંસ્થા વિષે

સંસ્થાનું નામ: શ્રી ઈ.ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ – કહાનવાડી

સ્થાપના વર્ષ: ૧૯૮૪

સંસ્થાપકટ્રસ્ટી: પૂ. દાદા, શ્રી ઈશ્વરભાઈ ખોડાભાઈ ચાવડા.

સંસ્થાનો ટૂંકો ઈતિહાસ:

વર્ષોની ગુલામી બાદ સ્વત્રંત ભારતને બેઠું કરવું એક પડકાર હતો. આર્થિક, શૈક્ષણિક અને નૈતિક રીતે ભારતની પ્રજાને પુનઃ જાગૃત કરવા માટે ગાંધીજીએ આપેલા પાયાની કેળવણીના સિદ્ધાંતને લક્ષમાં રાખી વિનોબા ભાવે, કાકાસાહેબ કાલેલકર વિગેરેએ સમગ્ર ભારતમાં બુનિયાદી શિક્ષણ, નઈ તાલીમ, વર્ધા શિક્ષણ વિગેરે નામોથી ભારતીય પ્રજાને શિક્ષિત કરવામાં અથાક અને અવિરત પ્રવાહ વહી રહ્યો હતો.

સમ્રગ આણંદ જીલ્લામાં અને બ્રુહદ ખેડા જીલ્લામાં પુ. દાદા શ્રી ઈશ્વરભાઈ ખોડાભાઈ ચાવડા એ ખુબજ જાણીતું અને હૈયાવાગુ નામ છે. જેમણે પોતાની સ્વત્રંત વિચારશ્રેણી, પ્રમાણિકતા અને સંનિષ્ઠ સમજ તથા પારદર્શક આચાર વિચાર અને વહીવટી સુઝબુઝથી પોતાની કાર્ય નિષ્ઠાને કસોટીના એરણ પર ચડાવીને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સમગ્ર ખેડા-આણંદ જીલ્લાના કાંઠા ગાળાના વિસ્તારના લોકોના ઉત્થાન માટે રાત-દિવસ એક કર્યા છે. તેના ભાગ રૂપે પ્રજાનું હિત કરવા, શિક્ષણએ ઉત્તમ માધ્યમ હોઈ બુનિયાદી શિક્ષણના હેતુઓ સર કરવા ૧૯૭૧ માં શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળની સ્થાપના કરી.

આમ તો આ સંસ્થા એના નામ મુજબ રાષ્ટ્રીય કેળવણીનો પર્યાય છે. અહી કેળવણીના મૂળ ગાંધીજીના સત્યાગ્રહની લડત વખતના છે. ગ્રામ કાર્યકર્તા, ગ્રામ સેવક, લોક સેવક તૈયાર કરવાનું કામ આ સંસ્થા કરી રહી છે. તેના સ્થાપક, નિર્માતા કે કુશળ કારીગર લોક સેવક પુ.દાદા શ્રી ઈશ્વરભાઈ ચાવડા છે. હાલ આ સંસ્થાના પ્રમુખ શ્રી ભરતસિંહજી માધવસિંહજી સોલંકી સાહેબ છે. જેમની રાહબરી નીચે આજે ઉત્તર બુનિયાદી શાળાઓ, આશ્રમશાળાઓ, બક્ષીપંચ છાત્રાલયો, ટેકનીકલ શિક્ષણ આપતી આઈ.ટી.આઈ., ગ્રામ વિકાસ અને કૃષિ શિક્ષણ આપતી ગ્રામ વિદ્યાપીઠ ચાલી રહી છે અને સતત પ્રગતી કરી રહી છે.

સંસ્થા સ્થાપવા પાછળના કારણો કયા હતા?

  • આર્થિક અને સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગોનો વિકાસ, કેળવણી ને જાગૃતિ.
  • શિક્ષણ-વિકાસ અને જાગૃતિ માટે બુનિયાદી શાળા, છાત્રાલયો, વિદ્યાલયો, કન્યાશાળાઓ, પ્રોઢશાળા વિગેરે સ્થાપવી, નિભાવવી, વિકસાવવી અને મદદ કરવી.
  • ગ્રામોદ્યોગ, ગૃહ ઉદ્યોગ વિગેરે હુન્નરોની તાલીમ આપવી, જરૂરી માર્ગદર્શન સેમીનાર વિગેરેની સહાયનો લાભ આપવો.
  • ખેતી અને ખેતીના કામોમાં જરૂરી માર્ગદર્શન આપવું.
    ક્ષેત્ર પ્રમાણે રચનાત્મક કાર્યો અને પ્રવૃત્તિ ચલાવવી, જરૂરિયાત મુજબ તાલીમ અને માર્ગદર્શન આપવું.
  • લોકોની જાગૃતિ અને વિકાસ માટે હેતુઓ સિદ્ધ કરવા, જરૂરી અને ઉપયોગી કાર્યકર્તાનું નિર્માણ કરવું.
  • સાહિત્ય અને સામયિકોનું પ્રકાશન અને પ્રસારણ કરવું.

શરૂઆતનાં તબક્કે સંસ્થાની શું ભૂમિકા રહી હતી? તથા આ સંસ્થાના વિકાસ માટે સમાજનાં લોકો કેટલો રસ લેતા તથા સહકાર આપતા?

શરૂઆતનાં તબક્કે સંસ્થાની ગ્રામ્ય સ્તરે આર્થિક તેમજ સામાજિક સ્તરે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની ભૂમિકા રહેલ.

સંસ્થાની શરૂઆતમાં આજુબાજુના ગામડાના લોકોનો અદભુત સહકાર મળી રહેલ. સંસ્થાની સ્થાપનામાં આજુબાજુના પ્રતિષ્ઠિત લોકોએ તન, મન, ધનથી ફાળો આપેલ.

શરૂઆતનાં તબક્કે સંસ્થાનાં નાણાકીય સ્ત્રોત કયા રહેતા?

અત્રેની સંસ્થા શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ સંચાલિત હોઈ, શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ આ સંસ્થા સિવાય ઘણી બધી ઉત્તર બુનિયાદી શાળાઓ, આશ્રમ શાળાઓ ચલાવે છે. શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ પાસે જરૂરી નાણાકીય સધ્ધરતા હતી.

શરૂઆતનાં તબક્કે કેવા વિધાર્થીને દાખલ કરવામાં આવતા તથા હાલ કેવા વિધાર્થીને પ્રવેશ અપાય છે? આ બંને વચ્ચે શું ફરક આવ્યો છે?

શરુઆતમાં આર્થિક અને સામાજિક રીતે પછાત વિદ્યાર્થીઓ આવતા. અત્યારે પણ આર્થિક અને સામાજિક રીતે પછાત વિદ્યાર્થીઓ આવે છે. શરૂઆતમાં આવેલ વિદ્યાર્થીઓ અગવડતા હોય તો પણ તે વેઠીને પોતાની કારકિર્દી બનાવવાની ધગશ રાખતા. પરંતુ સમય પ્રમાણે વિદ્યાર્થીઓની જરૂરિયાતો સંતોષવા સગવડતામાં વધારો કરવાની સંસ્થામાં જરૂરિયાત ઉભી થઇ.

શરૂઆતનાં તબક્કે કયા કોર્સ ચલાવવામાં આવતા? આ સમય દરમિયાન કેવા-કેવા ફેરફાર આવ્યા છે?

શરુઆતના તબ્બકેથીજ અત્રેની સંસ્થામાં બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ નો અભ્યાસક્રમ ચાલે છે. અભ્યાસક્રમ સુધારણા કાર્યક્રમ અનુસાર નવા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. નવા વિષયો પણ દાખલ કરવામાં આવે છે.

હાલનાં કોર્સ વર્તમાન સમયને સુસંગત અને વર્તમાન સમયની માંગને સંતોષી શકે તેવા છે?

હા. વર્તમાન સમયને સુસંગત અને વર્તમાન સમયની માંગને સંતોષી શકે તેવા વિષયો દાખલ કરવામાં આવે છે.

હાલમાં ચલાવવામાં આવતા કોર્સનું રોજગાર અને સમાજ વિકાસનાં પરિપ્રેક્ષ્યમાં કેવું ઉપયોગીતા છે?

હાલના સંજોગો જોતા ગ્રામ્ય કક્ષાએ કામ કરી શકે તેવા કુશળ અને શિક્ષિત કાર્યકરોની ખુબજ જરૂરિયાત છે. ગામડાના વિકાસમાં જ દેશનો વિકાસ રહેલો છે. બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ નો અભ્યાસક્રમ આ હેતુઓ પાર પાડે છે. ગ્રામ વિદ્યાપીઠનો સ્નાતક અન્ય વિનયન અને વાણીજ્ય સ્નાતક કરતા સેવા, ફરજ નિષ્ઠા, પ્રમાણિકતા, દેશદાઝ વગેરે ગુણોમાં ઉછેરો પુરવાર થાય છે. જેથી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ (N.G.O.), સહકારી ક્ષેત્રની સંસ્થાઓ, સરકારના વિભાગો, ખેતીવાડી ક્ષેત્રે કામ કરતી કંપનીઓ અને બેંકો વગેરેમાં ગ્રામ વિદ્યાપીઠના સ્નાતક માટે પુષ્કળ રોજગારી મળી રહે છે.

આ સંસ્થાની સ્થાનિક લોકો કઈ રીતે લાભાન્વીત થાયે છે.

ગ્રામ વિદ્યાપીઠ એ સેવા સાથે શિક્ષણ આપતી સંસ્થા છે. ગ્રામ વિદ્યાપીઠ દ્વારા અવારનવાર આજુબાજુના લોકો માટે ખેતી સેમીનાર, આરોગ્ય શિબિરો, પશુ આરોગ્ય શિબિર, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જાગૃતિ, સરકારની યોજનાઓ પ્રચાર, સ્વચ્છતા અભિયાન વગેરે કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે. જેનાથી લોકોમાં શિક્ષણ સાથે જાગૃતિ લાવી ગ્રામ વિકાસમાં મદદ રૂપ થાય છે.

સંસ્થા દ્વારા ટેકનોલોજીનો ઉપલબ્ધતા અને ઉપયોગ અંગે કેવા બદલાવ આવ્યા છે?

સંસ્થામાં વર્તમાન સમયને અનુરૂપ વહીવટી સરળતા માટે કોમ્પુટરનો ઉપયોગ, વિદ્યાર્થીઓને શિક્ષણમાં (LCD પ્રોજેક્ટર) ટેકનોલોજીનો ઉપયોગ, કોમ્પુટર લેબ, ઈન્ટરનેટ માટે ફ્રી વાઈ ફાઈ વગેરે સગવડતા આપવામાં આવે છે.

ગ્રામવિદ્યાપીઠમાં ચાલતી ફેકલ્ટી:

બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ (B.R.S.) ત્રણ વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ.